Sunday, June 26, 2011

પુરી એક અંધેરીને દિગ્ગી રાજા !


| મુંબઈ સમાચાર | વરાયટી સપ્લીમેન્ટ | ૨૬-૦૬-૨૦૧૧ !

વિતર્ક વાંક્દેખાને અત્યારે દલપત રામનું આ કથાકાવ્ય યાદ આવ્યું એનાં એક કરતાં વધારે કારણ છે. અમે એને પૂછ્યું, અને એણે ખુલાસો કર્યો. આજકાલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વિજય સિંઘ જાતજાતનાં સ્ટેટમેન્ટ કરીને લોકોનું ખાસું મનોરંજન કરે છે. તાજેતરમાં અણ્ણા હજારેએ જ્યારે ફરી ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી ત્યારે આ દિગ્ગી રાજાએ એક ખુબ જ સુંદર નિવેદન કર્યું. એમણે કહ્યું કે અણ્ણાની જગ્યાએ અરવિંદ કેજરીવાલ જેવા યુવાને ઉપવાસ કરવા જોઈએ. એક્ઝટલી એટલે વાંકદેખાને અંધેરી નગરીનાં ગંડુ રાજા યાદ આવ્યા. અંધેરી નગરીમાં શૂળી પર ચઢાવવાનાં હતાં મુલ્લાજીને પણ શૂળીના માપના પ્રમાણમાં મુલ્લાજી પાતળા પડતાં એની જગ્યા એ ખાઈ પીને તગડા થયેલા પેલા શિષ્યને શુળીએ ચઢાવવા હુકમ ગંડુ રાજા કરે છે. બસ ગંડુ રાજા, દિગ્ગી રાજા. એમાં પાછુ આજકાલ દેશી દારુ અને દૂધ સરખા ભાવે મળે છે, એટલે ટકે શેર દૂધ ટકે શેર દારુ પણ જોડાઈ જાય.

પણ અણ્ણાને બદલે જે અરવિંદ કેજરીવાલને શુળીએ, આઈ મીન, ઉપવાસે બેસાડવાના મનસુબા દિગ્ગી રાજા ધરાવે છે એ અરવિંદ કેજરીવાલ આઈ.આઈ.ટી. ખડગપુરનાં મીકેનીકલ ઈજનેર છે, મેગ્સેસે એવોર્ડ વિજેતા છે, અને ઈન્ડીયન રેવેન્યુ સર્વિસમાં જોડાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી વહેલા સેવાનિવૃત થયેલા છે. એટલે સાવ અણ્ણા કે બાબાની માફક ભાવુક થઈને એ અણ્ણાને બદલે ઉપવાસ પર બેસી જાય એવી શક્યતા નથી. પણ મૂળ વાત આમાં ફેરબદલની છે. શું ઘરડાં અણ્ણાની દિગ્ગીને દયા આવી હશે ? શું યુવાન કેજરીવાલની એમને ઇર્ષ્યા આવી હશે ? કે પછી કેજરીવાલ લાઈમલાઈટમાં આવે એવું દિગ્ગી રાજા ઈચ્છે છે ?

વિતર્ક કહે છે કે દિગ્ગીએ ઓસામાના દુખદ અવસાન પછી અમેરિકાએ એની દફન વિધિ કઈ રીતે કરવી જોઈએ તે અંગે અમેરિકાને જાહેર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આથી વિતર્ક સહિત ઘણાંને તો એ ઓસામા તરફી હોવાનું પણ લાગ્યું હતું. વિપક્ષોને આમાં મુસ્લિમ તુષ્ટિકરણ દેખાયું હતું. લોકોને અને વાંકદેખાને ભલે જે લાગે, પણ અમને તો આમાં દિગ્ગીનો કરુણાભાવ જ દેખાય છે. ઓસામા પાકિસ્તાનમાં લશ્કરી છાવણી નજીક પાંચમા નંબરની પત્ની સાથે પણ એ શાંતિથી જીવતો હતો. અને, પાંચ વખત લગ્ન કરનારને મારવાની શી જરૂર ? વળી એનાં રક્ષણમાં બ્લેક કેટ કમાન્ડો પણ નહોતા. એ મનોરંજન માટે ખોટા ખર્ચા કરવા મલ્ટીપ્લેક્સમાં જતો નહોતો, થિયેટરમાં ન બતાવી શકાય એવી અમુક ફિલ્મો ઘરમાં જ એ જોતો હતો. અરે બીજું તો ઠીક, ઘરના કમ્પાઉન્ડમાં જ શાકભાજી ઉગાડતો હતો, અને એણે ગાય અને મરઘીઓ પણ પાળી હતી. આમ ઓસામા એકંદરે શાંતિપૂર્ણ જીવન વ્યતિત કરતો હતો. અમેરિકન કમાન્ડો ઉતરી આવ્યા ત્યારે એણે એમનો સામનો પણ નહોતો કર્યો. આવાં માણસને મૃત્યુ પછી પણ યોગ્ય સન્માન મળવું જોઈએ, એવું દિગ્વિજય સિંઘનું માનવું હશે. હશે ! તો એમાં આટલો બધો હોબાળો કરવાની શું જરૂર છે ?

દિગ્ગી પર વિતર્કને બહુ ગુસ્સો આવે છે કારણ કે એણે બાબા રામદેવને ‘ફ્રોડ’ કહે તો દગાખોર કહ્યા છે. હવે શું કહેવું આ વાંકદેખાને ? ચાર ચાર મંત્રીઓ એરપોર્ટ પર બાબાને સમજાવવા ગયાં પણ બાબા ન માન્યા. અરે, બાબા પાસેથી એ લોકોએ અમુક તમુક સમયે ઉપવાસ પાછાં ખેંચી લેશે એવો કાગળ પણ લીધો હતો, પણ પછી એમાંથી પણ બાબા ફરી ગયાં. ના છુટકે, ‘કપિ’લ સિબ્બલે એ કાગળ જાહેર કરવો પડ્યો અને પોલીસ કાર્યવાહી કરવી પડી. એમાં દિગ્ગીનો શું દોષ ? અને પોલીસ તો એનું કામ કરે જ ને, યુપી હોય કે દિલ્હી !

પણ વિતર્કને અમે તર્કમાં હરાવી શકીએ એમ નથી. એણે તરત જ દિગ્ગી વિરુદ્ધ ચોથો આરોપ મુક્યો. રાહુલ ગાંધી એક આદર્શ પ્રાઈમ મીનીસ્ટર બની શકે છે, એ મતલબનું વિધાન કરીને ભૂતકાળમાં દિગ્ગીએ રાહુલ માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો. જોકે આમ કહીને એક વખત તો દિગ્ગીએ ડૉ. મનમોહન સિંહને ખુરશીમાંથી અડધાં ઉભા જ કરી દીધા હતાં. પણ એમાં શું થઇ ગયું ? ડૉ. સિંઘ ઘણાં ખેલદિલ ઇન્સાન છે, એ નાઈટ વોચમેનની જેમ વખત સાચવી લે પછી ગમે ત્યારે આઉટ થવા તૈયાર જ છે. પણ દિગ્ગીનાં આ ભક્તિભાવથી અમને તો હનુમાનજી યાદ આવી ગયાં. ખાલી ફેર એટલો છે કે હનુમાનજી રામ માટે લંકામાં આગ લગાડી આવ્યા હતાં, અને દિગ્ગી, યુપીએને લગાડી રહ્યા છે ! 

પણ દિગ્ગી રાજાની બીજી બધી વાતો જવા દો તો આ ફેરબદલ વાળી વાત આપણને ઘણી ગમી ગઈ છે. આપણે તો ફિદા થઇ ગયાં દિગ્ગીના આ ઇમેજીનેશન પર. ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ એ નામનું ગુજરાતી નાટક આવ્યું હતું, અને પછી ફિલ્મ પણ બની હતી. કાગડાના માળામાં કોયલ ઈંડા મુકે છે, અને કોયલના બદલે કાગડો બચ્ચાં પણ ઉછેરે છે. ક્રિકેટમાં ખેલાડી દોડી ન શકે તો એનાં બદલે રનરની વ્યવસ્થા હોય છે. મહાભારતમાં પણ ભીમ અને શકુનિ વચ્ચે એક ખાસ કરાર હતાં, જેમાં ભીમના બદલે અમુક કાર્યો શકુનિ કરતાં હતાં. અને ભારતમાં તો આતંકવાદીઓ પાકિસ્તાન વતી ઘણાં કામ કરે છે. તો પછી અણ્ણાને બદલે કેજરીવાલ ઉપવાસ કરે તો કેવું ? અરે, સુપર્બ બોસ ! પછી તો કાનીમોળીને બદલે એનો માળી, રાજા વતી એની પ્રજા, અને કલમાડી વતી કોક કબાડી જેલમાં જઈ શકશે ! શું કહ્યું ? આ તુક્કા છે ? અરે, આપણો દેશ આમ કોકના ‘વતી’ જ તો ચાલે છે.

1 comment:

  1. કપિ’લ નુ ટપકુ..અધીરની અકળામણ આલેખે છે,
    અધોગતિ અને અસહકારની એકપણ આવશ્યકતા થી અદ્ધર રહી આ અતિ આક્રમક અધિરેશ્વર આફત આવશે એવુ એકપણ આછૂ એવુ આવરણ પણ આચ્છેદે છે...!

    ReplyDelete