Sunday, June 19, 2011

એ હાલો હિલ સ્ટેશન જઈએ રે ....


|અભિયાન | હાસ્યમેવ જયતે | ૧૧-૦૬-૨૦૧૧ |
  
બે દિવસનો વીક-એન્ડ હોય કે વેકેશનની લાંબી રજા, ગુજરાતી પ્રજા ઘરમાં બેસી રહે એ વાતમાં માલ નથી. જોકે ગુજરાતનો ગુજરાતી જો વિકેન્ડ પર ફરવા જાય તો ક્યાં તો કોઈ જગ્યાએ દર્શન કરી હરિનું ચરણામૃત પીને  પાવન થાય કે નજીકના કોઈ સ્થળે વ્હીસ્કી પીને. એટલે જ કોઈકે નવું સુત્ર આપ્યું છે કે ‘દીવ, દમણ ને ગોવા, ગુજરાતીઓ જાય પીવા !’. એવું કહે છે કે રૂપિયા નામનો વાઈરસ ગુજરાતીઓને વધારે વળગે છે, અને જે ગુજરાતીને વળગે છે તેને પ્રવાસાઈટીસ નામનો રોગ થાય છે. આ રોગનો દર્દી વેકેશનમાં પ્રવાસ કરવા મજબુર થાય છે. જોકે આ સિવાય પણ ઉનાળાનું વેકેશન પડે એટલે સાચો ગુજરાતી પોતાની હેસિયત પ્રમાણે આબુથી લઈને અમેરિકા સુધી ફરવા જાય જાય અને જાય જ. એમાંય જો લીવ ટ્રાવેલ એલાવન્સ મળતું હોય, અને એ પણ જો ફરવા જાવ તો જ મળતું હોય, તો પછી ફરવા જવું એ પરિક્ષામાં પૂછાતા ફરજીયાત પ્રશ્ન જેટલું ફરજીયાત થઇ જાય !

પણ વેકેશન શરુ થાય એનાં એકાદ મહિના પૂર્વે વેકેશનની ચર્ચાની શરૂઆત ‘તમે આ વખતે ક્યાં જવાના ?’થી થઇ જાય. આમાં ખાસ નોંધવા જેવી વાત  ‘આ વખતે’ છે. જુના ગંજેરીની જેમ, ફરવા જનારાઓમાં જુના અનુભવીઓનો દબદબો હોય છે. એમની વાત  સાંભળો તો તમને થાય કે હાળું ફરવા તો આ લોકો જ જાય છે. ‘ગયે વખતે સિક્કિમ પતાવી દીધું, કાશ્મીર તો આગલા વર્ષે જ ગયા’તા, કેરાલા ચોથા વર્ષે ગયા’તા તે વચ્ચે ઉટી રહી ગયું’તુ, તે આ વખતે લઇ લીધું છે’. બેસતા વર્ષે જેમ ઉભા-ઉભા થપ્પો કરી આવવાનો રીવાજ છે એમ આવાં ભ્રમણવીરો દેશ-વિદેશના જોવાલાયક સ્થળોને ‘જોઈ નાખે છે’ અને આમ વેકેશનમાં પ્રવાસનો કોર્સ પુરો કરી નાખે છે. જોકે પ્રવાસ વર્ણનમાં તકલીફોનું વર્ણન આવે એ સાંભળીને એમ થાય કે આટલા રૂપિયા ખર્ચીને આવી તકલીફો વેઠવા જવાનું ? પણ, જેમ આગળ કીધું તેમ, વાઈરસ પોતાનું કામ કરે છે અને ગુજરાતી ગૃહસ્થ પ્રવાસ આયોજન કરી જ નાખે છે.

પણ પ્રવાસ શરુ થાય, અને આપણી આ બહેનો હિલ સ્ટેશન પર પહોંચે ત્યાં સુધીમાં તેમના સ્કાર્ફ બેગમાંથી નીકળીને મોટા પર્સમાં આવી ગયા હોય છે. અને ભાઈનો પડીકીનો ક્વોટા પુરો થઇ ગયો હોય, એટલે છેલ્લા સો કિલોમીટર બાકી હોય ત્યારથી જેટલા સ્ટેશન પર ગાડી ઉભી રહે, ત્યાં ભઈ ગલ્લાની શોધમાં આંટા મારી આવે, અને પછી ‘ખરી પ્રજા છે’ એવાં નિસાસા નાખતા ખાલી હાથે પાછા ફરે. પાછી ટ્રેઈનમાં ૩૬ કલાકની મુસાફરી કરી હોય તો ઢેબરાનાં ડૂચા અને ચવાણાનાં ફાકા મારી-મારીને કંટાળી ગયા હોય. એટલે હિલ-સ્ટેશન હોટલ કે રિસોર્ટ પર પહોંચે ત્યારે એકંદરે ગાભા જેવા ઢીલા થઇ ગયા હોય. એમાં ગ્રુપમાં કોક ઉત્સાહી હોય તે તો પાછો અડધો કલાકમાં જ દરવાજો ખખડાવે, ‘હાલો બોટિંગ કરવા નથ જાંઉં ?’. એક તો બે રાત ટ્રેઈનમાં સરખું ઊંઘ્યા ન હોય, ખાવામાં ભાખરી ના મળી હોય, પીવામાં ઘર જેવી આખા દુધની ચા ન મળી હોય, એવામાં કોક આવીને ધરાર ઉભા કરે ત્યારે એવી ખીજ ચઢે ને કે ‘તારે બોટિંગ કરવું હોય તો કર, લેકમાં ધુબાકા મારવા હોય તો એની પણ છૂટ છે, પણ મારી જાન છોડ યાર’. એમાં પાછું હનીમાંતો દરવાજો ખોલવાના હોશ ના હોય, એટલે દરવાજો ખોલવા પણ હનાએ ઉભા થવું પડ્યું હોય, એટલે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે !

પણ બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ ના દાવે, હિલ-સ્ટેશન ગયા હોવ તો બોટિંગ, હોર્સ રાઈડિંગ, સન-સેટ પોઈન્ટ, બોટનીકલ ગાર્ડન, ટાઈગર હિલ, મોલ રોડ, મ્યુઝીયમ અને એકાદ મંદિર પર જવું કમ્પલસરી થઇ પડે છે. આમાંનું કાઇ પણ બાકી રહી જાય તો સમાજમાં આબરુ જાય એ ડરે કે ગમે તેમ, પોતાની પ્રકૃતિને અનુકુળ આવે કે ન આવે, પ્રજા આટલું તો ફરે ફરે અને ફરે જ. ગ્રુપમાંના દુબળા પાતળા ઉત્સાહી નરે  હોટલના કાઉન્ટર પર મળતાં ફરફરિયામાંથી જોવા લાયક સ્થળોની માહિતી મેળવી રાખી હોય, એટલે હોટલના પેકેજમાં સવારે મળતાં બ્રેકફાસ્ટ પર જ આખા દિવસનો કાર્યક્રમ જાહેર કરી નાખે છે. આ સાંભળીને કે પછી ઠંડા બ્રેડ-ટોસ્ટનું બટકું મ્હોમાં આવી ગયું હોય એટલે, પણ ભઈને ઘર યાદ આવી જાય. બ્રેકફાસ્ટમાં ટોસ્ટ, ઢોંસા, ઉપમા, કોર્ન-ફ્લેક્સ  જેવી પેટમાં સમાઈ શકે તેવી વિવિધ વિરોધાભાસી વસ્તુઓ પેટમાં પધરાવી ટોપી, ગોગલ્સ ચઢાવી, રંગબેરંગી કપડા પહેરીને હોટલની બહાર નીકળો એટલે પહેલું આશ્ચર્ય મળે. જે વિશાળકાય ભાભીઓને કાયમ પંજાબી કે સાડીમાં જોયા હોય એ જીન્સ ટી-શર્ટ પહેરીને પ્રગટ થાય. અને જે ભાઈની ફરમાઈશ પર ભાભીએ પરાણે જીન્સ પહેર્યું હોય, એ પછી કેમેરામાં ફોટા ઝડપવા લાગી જાય.

પછી સંઘ આખો બોટિંગ કરવા જાય. પોતાની શારીરિક ક્ષમતાને સારી રીતે સમજતા અમુક સમજુ લોકો મોટી બોટમાં નાવિકને ભરોસે અને નાવિકના બાવડાના જોરે લેકમાં ચક્કર મારી છેવટે બાંકડા પર સેટલ થઇ જાય છે. પણ અમુક પગબળમાં માનનારા પેડલ બોટમાં લેક ખુંદવા નીકળી પડે છે. પણ, પવન અનુકુળ હોવાને લીધે જતાં આસાનીથી દૂર સુધી પહોંચી ગયા હોય, પણ પછી પાછાં આવતા ભૂલ ખબર પડે. જીન્સધારી ભાભીએ તો પહેલા જ રાજીનામું આપી દીધું હોય, અને પેડલ બોટ એકલાથી બહુ લાંબે સુધી ચાલે નહિ, એટલે એકંદરે લેકની વચ્ચોવચ્ચ આવા થાકેલ-હારેલ બોટાર્થીઓ સ્થિર થઈને ઉભા હોય છે. જોકે પછી પર્સમાંથી ક્રીમ વાળા બિસ્કીટ ખાઈ, એનર્જી ભેગી કરી જેમ તેમ કિનારે પહોંચ્યા પછી ‘અમે તો સમંદર  ઉલેચ્યો છે પ્યારા, નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે’ જેવા ભાવ સાથે કિનારે બેઠેલા આગળ લેકમાં વચ્ચોવચ કેવી સરસ ઠંડક હતી એની વાતો કરે છે.  

આ પછી ખચ્ચર, ટટટુ કે ઘોડેસવારી જે કહો તેનો વારો આવે. જ્યાંથી ઘોડેસવારી શરુ થતી હોય ત્યાં સંઘ આખો સંઘ પહોંચે. ત્યાં, દેખાવથી પૈસાદાર, દુબળા પાતળા લોકો અને બાળકો હોય તેવા સવારીવાન્છુકોને ઘોડાવાળા ઘેરી વળે છે. હિલસ્ટેશન પર પાણીની તંગી હોય કે ગમે તે કારણે, ઘોડા અને ઘોડામાલિક બેઉ સરખા ગંધાતા હોય છે. ઉપરથી આખો વિસ્તાર ઘોડાની લાદથી ખદબદતો હોય. ફિલ્મોમાં તો હીરો ચાલુ ઘોડાએ ચઢી જતો હોય છે, પણ હિલસ્ટેશન પર તો ઘોડા પર બેસવા માટે પહેલા ઉંચી પાળી પર ચઢવું પડે છે અને એટલું કરવામાં જ અમુક કાકીઓના ઘૂંટણમાં દર્દ થવા માંડે. જેમતેમ કરીને ઘોડા પર બેસો અને ઘોડો ચાલવાનું જ્યાં શરુ કરે ત્યાં બેલેન્સનો મહિમા સમજાય. એમાં પાછો ઘોડો ખાઈની ધાર પર ચાલે એટલે પોતપોતાના ઇષ્ટદેવ યાદ આવે. પણ પછી, ઇષ્ટદેવ કદાચ કામમાં આવે કે ન આવે, ઘોડાકીપરને હિન્દીમાં વિનવણીઓ થાય ‘એ ભૈયા બરોબર પકડના બાજુમે ખીણ હે તો ક્યા હે હમકો ડર લગતા હય’. એ ખીણ પસાર થાય પછી ખબર પડે કે, ઘોડો જે ઉબડખાબડ રસ્તા પર પસાર થયો એ વખતે ઉંચા શ્વાસે બેસવાનાં કારણે, અને ઘોડા અને આપણા શરીર વચ્ચેના તાલમેલના આભાવે પગ અને પેટ વચ્ચેના શરીરના પૃષ્ઠભાગે દુખાવો શરુ થઇ ગયો છે. હવે, આવાં સમયે નીચે ઉતરીને ચાલી નાખવાના વિચાર આવે. પણ ત્યાં સુધીમાં અડધે રસ્તે પહોંચી ગયા હોવાથી ચાલવાનું શક્ય ન લાગતાં ઘોડેસવારી ચાલુ રાખવામાં આવે છે, પણ આ આખી ઘટમાળમાં ઘોડાને એટલો ફાયદો થાય છે કે બેસનાર પોતાનું વજન ઘોડાની પીઠ પરથી ઓછું કરી પેંગડામાં નાખેલા પગ પર ટ્રાન્સફર કરે છે ! વિચારી જોજો.

ને સાંજે આમ જ સન-સેટ પોઈન્ટ પતાવી પ્રજા પાછી મોલ રોડ પર આવે છે. હા, દરેક હિલ-સ્ટેશન પર એક મોલ રોડ હોય છે જ. પહેલા જતાં સર્વે કર્યો હોય એટલે સાઉથ ઇન્ડિયન, પંજાબી અને ગુજરાતી ખાવાનું ક્યાં મળે છે તે જાણી લીધું હોય. આપણા ભઈને જોબના કારણે કાયમ ફરવાનું થતું હોવાથી એ ગુજરાતી કે ખીચડી શાકની ફરમાઈશ કરે, તો બહેન, ‘આખું વરસ એ જ તો ખાઈએ છીએ, અમારું તો વિચારો’ એવી  લાગણીસભર દલીલ કરી દક્ષિણ ભારતના હિલસ્ટેશન પર પંજાબી ખાવાના તરફ ખેંચી જાય છે. છોકરાઓએ તો પહેલા જ પડીકા દાબ્યા હોવાથી એમને જમવા કરતાં રમકડા લેવામાં વધારે રસ હોઈ એ બજાર ભણી ખેંચે છે. અને છેવટે ધાર્યું ધણીનું તો કદી પણ નથી થતું, એ મુજબ આપણા આ ગરવા ગુજરાતી પંજાબી રેસ્ટોરન્ટમાં નેપાળી વેઈટરને મીડીયમ સ્પાઈસી વેજ જયપુરી સાથે તંદુરી રોટીનો ઓર્ડર આપી દે છે.  

આવી અનેકવિધ પ્રવૃતિઓ કરી તન, મન, અને ધનથી થાકી જવાય ત્યારે જેમ સન્યાસ લીધેલો માનવી સંસારમાં પાછો ફરે તેમ પ્રવાસસ્થ મનુષ્ય પોતાના ઘેર પાછો ફરે છે. ઘરની ચા પી, રોટલી-દાળ-ભાત-શાક ત્રણ દિવસ લાગલાગટ ખાય પછી એના નસકોરામાંથી પંજાબી/ઢોંસા/સંભારની વાસ જાય છે અને એનામાં પ્રવાસ વર્ણન કરવાનું જોમ આવે છે. અને પછી જે પ્રવૃત્તિઓ કરતી વખતે એનો જીવ નીકળી ગયો હતો, એ વિષે રસપ્રદ વાતો કરી, ભોગેજોગે સારા આવી ગયેલા ફોટા ફેસબુક પર મૂકી આ માનવી બીજાઓ માટે ઈર્ષ્યાપાત્ર બની રહે છે.  ■ 

અધીર અમદાવાદી 


tags : abhiyan adhir amdavadi hasya humour gujarati

6 comments:

  1. You are just too good mate! You have amazing observation skills... Keep it up!

    Cheers

    ReplyDelete
  2. સરસ.... ખુબજ સચૉટ્

    ReplyDelete
  3. Bahot achhe, Adhir. You are certainly next Tarak Mehta!

    ReplyDelete
  4. અધીરજી તમારું જોરદાર અને ખુબજ ઊંડાણથી કરેલ અવલોકન છે . આપનો હાસ્ય પ્રવાસ લેખ વાંચી જુની યાદો તાજા થઇ ગઈ .

    ReplyDelete
  5. વાહ પ્રભુ વાહ . . . . મઝા આવી ગઈ. . .

    ReplyDelete
  6. khubj sachi wat hu pan aa diwali family jode matheran hilstation jai ne avio
    pan jem tame lakhiyu em j thayu ne dar vakhate amaj thay ema koi sak nathi
    i like it verry good

    ReplyDelete